જામ્બુવન ગુફા અને કૃષ્ણની પટરાણીની કહાની-


જામ્બવં ગુફા- ( રાણાવાવ, જિ. પોરબંદર )

પ્રવાસન અને પૌરાણિક ઇતિહાસની દ્રષ્ટીએ આ મહત્વનું સ્થળ છે. સાંકડાં પ્રવેશદ્વાર વાળી આ ગુફા તેની માટી પ્રખ્યાત છે.

ગુફા અને કૃષ્ણની પટરાણીની પૌરાણિક કહાની-
———————————————————
મથુરાનાયાદવ સામંત સાત્રજીત ની પુત્રી સત્યભામા સાથે કૃષ્ણનાં લગ્ન થયેલા. આ સાત્રજીતએ સમુદ્રકિનારે સૂર્યદેવ પાસેથી શ્યામન્તક નામનો મણી મેળવેલો. સાત્રજીતને કોઈ પુત્ર ન હતો. કૃષ્ણએ સાત્રજીત પાસે આ મણી માંગેલો પણ તેણે આપ્યો નહિ. એક દિવસ સાત્રજીતનાં ભાઈ પ્રસન્નજીત આ મણી ગળામાં પહેરી શિકાર પર ગયેલા પણ તેઓ પાછા ફર્યા જ નહિ. આથી યાદવોને એવી શંકા જાગવા લાગી કે મણી મેળવવા માટે કૃષ્ણએ પ્રસન્નજીતની હત્યા કરી છે.

એક દિવસ બલરામે કૃષ્ણને કહ્યું કે “ તે પ્રસન્નજીતની હત્યા નથી કરી” એ હું જાણું છું, પણ લોકોને તારે એ સાબિત કરીને બતાવવું પડશે. આથી કૃષ્ણ, બલરામ અને બીજા યાદવો પ્રસન્નજીત ને શોધવા જંગલમાં નીકળી પડ્યા. ત્યારે પ્રસન્નજીતની લાશ મળી અને પગલાઓના આધારે ખબર પડીકે કોઈ સિંહે તેનો શિકાર કર્યો છે અને મણી લઈને જતો રહ્યો છે. આથી એ સિંહને શોધતા શોધતા ખબર પડી કે એ સિંહ મરેલો છે અને તેને કોઈ રીંછે મારી નાખ્યો છે અને મણી લઇ લીધો છે.

અંતે તેને શોધતા શોધતા કૃષ્ણ અને તેના યાદવ મિત્રો એક ગુફા સુધી આવી પહોંચ્યા. બધાને ગુફાની બહાર રાખી કૃષ્ણ ગુફામાં ગયા. પણ કેટલોય સમય ગુફામાંથી બહાર નાં આવતા યાદવોને લાગ્યું કે પેલા રીંછે કૃષ્ણને મારી નાખ્યા હશે આથી ગુફામાં જવાની કોઈની હિંમત નાં થઇ અને તેઓ ગુફા છોડી જતા રહ્યા. અને દ્વારકા જઈ લોકોને આખી વાત કહી. પણ બાદમાં થોડા દિવસો બાદ કૃષ્ણ ગળામાં એક મણી પહેરેલી સ્ત્રી સાથે પાછા ફર્યા. એ સ્ત્રી એટલે રીછ જામ્બવનની પુત્રી જામ્બવતી. કે જેની સાથે કૃષ્ણએ લગ્ન કરેલા……

આજામ્બવન એટલે રામાયણ કાળમાં રીંછોનાં રાજા, જેણે રામને સીતાની શોધ વખતે સહાય કરેલી. આથી જ ગુફામાં કૃષ્ણ અને જામ્બવન વચ્ચે થયેલી લડાઈમાં અંતે જામ્બવને કૃષ્ણને ઓળખી જતા લડાઈ પૂર્ણ કરી અને પોતાની પુત્રી જામ્બવતીનો હાથ કૃષ્ણને સોંપ્યો.

અંતે યાદવસભામાં લોકોને મણી અંગે સત્ય હકીકત ખબર પડી અને કૃષ્ણએ મણી સત્રાજીતને સોંપી દીધો. પણ બાદમાં કૃષ્ણ પર મણી લેવાના અને પ્રસન્નજીતની હત્યાના ખોટા આરોપનાં પ્રાયશ્ચિતરૂપે, સત્રાજીતે પોતાની પુત્રી સત્યભામાનાં લગ્ન કૃષ્ણ સાથે કરાવેલા અને દહેજમાં મણી આપ્યો. જેને લેવાનો કૃષ્ણએ એવું કહીને ઇનકાર કર્યો કે “તમારું અમૂલ્ય રત્ન એવી પુત્રી સોંપી એ જ બહુ છે”

( આ સમગ્ર પૌરાણિક કહાની જોતા અહી સમુદ્રનું વર્ણન કરેલ છે, જે કદાચ દ્વારકા પોરબંદરનો દરિયાઈ વિસ્તાર હોવો જોઈએ..જે જંગલની વાત થઇ છે તે કદાચ બરડા ડુંગરનું જંગલ હોવું જોઈએ કારણકે વર્ષો પહેલા ત્યાં સિંહો હતા તેવી માહિતી પ્રાપ્ત થાય છે….અને જે ગુફાની વાત થાય છે તે હાલ રાણાવાવ પાસેની જામ્બવન ગુફા )

– વિવેક ટાંક ( ડેપ્યુટી કલેકટર, પોરબંદર )

ગઝલ – ઉદભવ, ઈતિહાસ અને પરિચય


                                            gazal

ગઝલ મૂળ રીતે ફારસી-અરબી કાવ્ય પ્રકાર છે. અને ગુજરાત માં તે ઉર્દુ ભાષા દ્વારા પ્રવેશ્યો છે.

ગઝલ ની જન્મ ભૂમિ એટલે પર્શિયા(ઈરાન). વાસ્તવિક રીતે તો ગઝલ ની પૃષ્ઠભૂમિ અરબસ્તાનમાં તૈયાર થયેલી.  આરબોએ ગદ્યનાં પ્રારંભ બાદ ગદ્યમાં પ્રાસ વાળી રચનાની શરૂઆત કરેલી. જે હાલ શેર સુધી પહોચી છે. પણ અરબસ્તાનમાં ગઝલનો કોઈ કાયમી આકાર નાં બની શક્યો.

ઇસ્લામના નાં વિકાસના તબક્કામાં આરબો એ ઈરાન પર આક્રમણ કર્યું. આથી આરબોની સંસ્કૃતિ ઈરાનમાં વિસ્તરી. અને અરબી કાવ્ય – “કસીદા “ અને “નસીબ” ઈરાન માં પ્રખ્યાત થઇ. પણ તેના વિકાસના પગલે “નસીબ” કાવ્ય પ્રકારનાં રંગ રૂપ બદલાયા અને તેને ગઝલનું રૂપ ધારણ કર્યું.

ગઝલ નો મતલબ થાય – “પ્રિયતમા ના ગીતો “. “આશિક ની વાતો”  

મિલન ની ઝંખના , વિયોગ નું દુખ , તડપ, સ્ત્રી સૌન્દર્ય એ ગઝલ નો મુખ્ય વિષય હતો. જોકે હવે આવા બંધનો રહ્યા નથી. હવે ગઝલો કોઈ પણ વિષયો સાથે છૂટથી લખાય છે.

ગઝલને સુફીઓએ પણ ઘણું મહત્વ આપ્યું છે. ગઝલમાં સુફીવાદ ભળતા તેની સુગંધ ઓર પ્રસરી.સુફીઓએ દિવ્ય પ્રેમના અને આત્મા પરમાત્માનાં અર્થમાં આશૂક-માશૂક જેવા પ્રતીકો વ્યક્ત કરી ગઝલને નવા આભૂષણો પહેરાવ્યા. પણ બાદમાં ઈરાનમાં શિયાપંથી રજાઓ આવતા, તેઓ સુફીઓને પસંદ નાં કરતા હોવાથી સૂફીઓને  કોઈ મહત્વ મળ્યું નહિ આથી આ લોકો ભારત તરફ આવ્યા અને ઈ સ્થાયી થયા. આ રીતે ભારતમાં ગઝલનો પ્રવેશ થયો અને ભારતીય સંસ્કૃતિ તેમાં ભળતા ફારસી સાહિત્યનો અનેરા રંગમાં પ્રચાર ઘણો વધ્યો.

આમિર ખુશરોને ભારતમાં ગઝલ ના આદિસર્જક કહેવાય છે. જેને અરબી, ફારસી, વ્રજ જેવી ભાષાઓમાં ગઝલો આપી છે.  ત્યારબાદ ઉર્દુ માં “મિર્ઝા ગાલીબ”, “મીર તકી મીર” જેવા મહાન  ગઝલકારો થયો. અને ગઝલનો સુવર્ણયુગ શરુ થયો.

इश्क़   ने   ‘ग़ालिब’   निकम्मा   कर  दिया

वर्ना   हम   भी  आदमी   थे  काम    के

उनके देखे से जो आ जाती है मुँह पे रौनक
वो समझते हैं कि बीमार का हाल अच्छा है

ગુજરાત માં ઉર્દુ ગઝલ ૧૭મી સદી ના ઉતરાર્ધ માં ગઝલકાર ‘વલી’ થી શરુ થયેલી. જેનું પછી ધીરે ધીરે ગુજરાતી કરણ થવા માંડ્યું. આમ વિદેશી બીજ ગુજરાતી જમીન માં ખેડાવા લાગ્યું.

પણ શુદ્ધ ગુજરાતી માં પ્રથમ વાર ગઝલ ને આકાર આપનાર માણસ હતા – બાલા શંકર કંથારિયા  ( ઉપનામ – બાલ ) તેણે “બોધ” નામ ની પ્રથમ ગઝલ થી  ગુજરાતી ગઝલ નો ઇતિહાસ શરુ કરીને  વ્યવસ્થિત એકડો પાડ્યો એકડો પાડ્યો.

                        “ જીગરનો યાર જુદો તો બધો  સંસાર જુદો છે

                         બધા સંસારથી એ યાર બેદરકાર જુદો છે “

                                      – બાલ 

બાદમાં કલાપી, કાન્ત, મણીલાલ, સાગર, ખબરદાર  જેવા કવિઓએ ગઝલ પર હાથ અજમાવ્યો. કેશવ નાયકથી ગુજરાતી ગઝલમાં નવો વળાંક આવ્યો. ગઝલ માટે તેણે યોગ્ય વજન વાળા શબ્દોનો  ઉપયોગ શરુ કર્યો.

તેમની એક રચના-

                      “ મને વાંધો નથી વ્હાલા, હૃદયમાં ઘર કરી બેસો

                       તમારો દેશ છે  આખો, ભલેને  સર કરી બેસો “  

 ત્યારબાદ આધુનિક યુગમાં ઘાયલ , મરીઝ, આદીલ , ચિનુંમોદી, રાજેન્દ્ર શુક્લ , મનોજ ખંડેરિયા, રમેશ પારેખ, રાજેશ વ્યાસ મિસ્કીન, રઈશ મનીયાર, શૂન્ય પાલનપુરી  જેવા કવિઓએ તેને એક નવો જ રંગ , રૂપ આપ્યા ને સારા ગુજરાતી કપડા માં સજ્જ કરી.

અને હાલના આધુનિક કાળમાં તો ગુજરાતી-અંગ્રેજીના મિશ્રણ વાળી Gujlish શબ્દોની રચના વાળી ગઝલનો પણ પ્રયોગ થઇ રહ્યો છે.

હવે, બંધારણીય દ્રષ્ટીએ ગઝલ પરિચય –

 ગઝલ એટલે કાફિયા – રદીફ ને જાળવીને , સરખા માપ ( વજન વાળા ) ચોટદાર શેરો ના સમૂહ

ગઝલના  એક એક શેરમાં અદભુત ચોટ હોઈ છે જે લોકોને ઘાયલ થી મરીઝ બનાવી દેય છે .

શેર 

શેર એટલે ગઝલ ની બે પંક્તિઓનો  સમૂહ. સાદી ભાષામાં આપણે એને શાયરી કહીએ છીએ.

ગઝલ માં શેરની પંક્તિઓને  “મિસરા”  કહેવાય છે. બે મિસરા ભેગા થઈને એક શેર બને.

                      મૌતની તાકાત શી મારી શકે ? ઝીંદગી તારો ઈશારો જોઈએ

                      જેટલે  ઉંચે જવું હો  માનવી, તેટલા  ઉન્નત વિચારો જોઈએ

                                        – શૂન્ય  પાલનપુરી

                          આપી ગયો તું આંખમાં અંધાર એટલો 
                          દરિયામાં પણ ના હોય દોસ્ત ખાર જેટલો

 – ચંદ્રેશ મકવાણા

                         તારી નજરમાં ડૂબ્યાનું હજુ મને યાદ છે

                         આપણી વચ્ચે બસ આટલો જ સંવાદ છે

      –     વિવેક ટાંક

                         ખરું  કહું તો  આ કથા  મારી  નથી
                         છે ખરી પણ આ વ્યથા મારી નથી.

  –     વિરલ દેસાઈ

કાફિયા – શેરની બે પંક્તિઓના અંતે આવતા શબ્દોમાં  પ્રાસ મળતો હોઈ છે. આ પ્રાસ ને કાફિયા કહેવાય છે

ઉ.દા. મરીઝના ૨ શેર જોઈએ

                       આ જગતમાં પ્રેમીઓ એવા પણ આવી જાય છે,

                       જે વચન દેતા નથી  તોયે  નિભાવી  જાય છે

                       ખુદા ની જ્યારથી માની લીધી ખુદાઈને ,

                       નથી  કબુલી જગત ની કોઈ મનાઈને

અહી, પ્રથમ શેર માં ‘આવી’ -નિભાવી’  ખુદાઈને –“ મનાઈને “ એકબીજાના પ્રાસ છે જેને કાફિયા કહેવાય છે .

પણ શેરમાં ક્યારેક કાફિયા બાદ વધારાના શબ્દો કોઈપણ ફેરફાર વિના આવ્યા જ કરતા હોઈ છે આવા શબ્દો ને ‘ રદીફ ’ કહેવાય .

 પ્રથમ શેર માં à ‘જાય છે’ એ રદીફ છે.

 કાફિયા વિના શેર હોઈ શકે નહી. કાફિયા એ ગઝલમાં શેરનો શૃંગાર છે એના વિના ગઝલ સાવ નીસ્વાદ થઇ જાય. જોકે એને ગઝલ કહી જ ના શકાય.

હા , ગઝલ માં શેર ક્યારેક ‘રદીફ’ વિના હોઈ શકે છે .

ઉ.દા. તરીકે બીજા શેર માં જોશો તો દેખાશે કે તેમાં માત્ર ‘કાફિયા’ જ છે , રદીફ નથી . આવા શેર ને “હમ કાફિયા” કહેવાય

મત્લા અને મક્તા-

ગઝલ ના પ્રથમ શેર ને ‘ મત્લા’  કહેવાય છે. ગઝલ માં ‘ મત્લા’ સૌથી પ્રભાવશાલી હોઈ છે. મત્લાના બોલવા સાથે જ લોકો માં વાહ ! વાહ ! ઈર્શાદ ! ઈર્શાદ !  થઇ પડે.

ગઝલનાં  અંતિમ શેર ને ‘ મક્તા’  કહેવાય છે , જે ગઝલ નો અંત સૂચવે છે, મોટા ભાગે ગઝલકારો ‘મક્તા’ માં પોતાનું નામ કે તખલ્લુસ મુકતા હોય છે. મત્લાની જેમ  ‘મક્તા’ પણ એક ધારદાર અંત સાથે વહે છે.

ઉદા.

                       જિંદગીના રસને પીવા માં કરો જલ્દી ‘મરીઝ’

                      એક તો  ઓછી મદિરા  છે  ને ગળતું જામ છે .

તખલ્લુસ રાખવાનું કારણ કોઈ વિશેષ નથી હોતું એ એક આગવી ઓળખ બતાવે છે. ઘણા કવિઓ તખલ્લુસ થી જ પ્રખ્યાત છે

ઉ.દા. તરીકે ઘાયલ , બેફામ , આદીલ , બાલ, મરીઝ , ગની, કાન્ત, કલાપી વગેરે …

કેટલાક કવિઓના નામ ઘણા મોટા હોઈ છે ત્યારે તે નામ નો અંત તખલ્લુસ તરીકે કરે છે

 ઉ.દા. શેબાદમ  આબુવાલ à આદમ

        મહમદ ઈકબાલ  à ઈકબાલ

તો કેટલાક તખલ્લુસ માં પોતાના જન્મ સ્થળ ને પણ દર્શાવે છે

ઉ.દા. – શૂન્ય પાલન પૂરી , સાહિર લુધિયાનવી

ગઝલ સામાન્ય રીતે ઓછા માં ઓછા ૫ શેર થી લઇ ને ૧૯-૨૦ શેર સુધીની હોઈ છે ગુજરાતી ગઝલ માં સર્વ સામાન્ય લઘુતમ સંખ્યા 5 રાખવામાં આવી છે. સમગ્ર ગઝલના સૌથી સારા/ઉતમ  શેરને  ત‘ “શાહ્બેત” કહેવાય છે

ઉ.દા. તરીકે મરીઝ ની એક ગઝલ ના શાહ્બેત જોઈએ ,

નથી એ વાત કે પહેલા સમાન પ્રીત નથી ,

મળું હું તમને તો એમાં તમારું હિત નથી,

એ મારા પ્રેમમાં જોતા રહ્યા સ્વભાવિકતા,

કે મારો હાલ જુએ છે અને ચકિત  નથી

ફના  થવાની  ઘણી રીત  છે જગતમાં

તમે પસંદ કરી છે એ સારી રીત નથી.

ગઝલનું ભવિષ્ય –

ગુજરાતીમાં સવા સો વર્ષમાં ગઝલ નું ખેડાણ ખુબજ થયું હોવા છતાં એટલું મહત્વ ગઝલકારો ને મળ્યું નથી , જેટલું હિન્દી-ઉર્દુ ગઝલકારો ને મળ્યું છે.

ગઝલ પ્રખ્યાત થતી હોઈ તો તેનું મુખ્ય કારણ છે “મુશાયરા” ઓનું આયોજન, જે ગુજરાત માં હજુ એટલું ખાસ પ્રચલિત નથી.

બીજું, ગુજરાતી ગઝલોને સંગીત માં ખાસ ઢાળવામાં નથી આવી , ગુજરાત માં મનહર ઉધાસ, આશિત દેસાઈ , જેવા જુજ સંગીતકારોએ ગુજરાતી ગઝલ ને સ્વર બધ્ધ કરી લોકો સુધી પહોચાડી છે. ગુજરાતી લોકો ૧%  ગઝલ થી જાણકાર છે. તેમાં મનહર ઉધાસ ની કેસેટ નો ફાળો છે.

જયારે હિન્દી, ઉર્દુ માં જોવામાં આવે તો અસંખ્ય ગઝલ ગાયકો જોવા મળશે, જેના ખુદ મોટા સંગીત કાર્યક્રમો થતા હોઈ છે.

ઉ.દા. જગજીત સિંહ, આબિદા પરવીન, ગુલામ અલી , ચિત્ર, પંકજ ઉધાસ, ગુલામ અલી ,

આવો વર્ગ ગુજરાતમાં નથી. હા પણ ગુજરાતી ગઝલનું ભવિષ્ય ઘણું જજ ઉજ્જવળ છે . એમાં કોઈ જ બે મત નથી.

-વિવેક ટાંક  ( ડેપ્યુટી કલેકટર, પોરબંદર )

ટાગોર એક અદભુત વ્યક્તિત્વ—◆


ટાગોર એટલે વિશ્વ કવિ, લેખક, ગાયક, નાટ્યકાર, ચિત્રકાર, આઘ્યાત્મિક સંત, અને સાવ સરળ માણસ.

નાનપણથી શરુ કરી અંત સુધીના 81 વર્ષમાં તેને મૃત્યુને વારંવાર નજીકથી  નિહાળ્યું.  દેવેન્દ્રનાથનાં 14 સંતાનોમાં  રવીન્દ્રનાથ સૌથી નાના, નાનપણમાં માતા મૃત્યુ પામ્યા પણ અંદર કાઈ ખાસ થયુ નહીં  કારણ કે માતાનો પ્રેમ-સુખ ખાસ મળ્યું ન હતુ. પણ સૌથી મોટો  આઘાત રવીન્દ્રનાથને ભાભીરાણી कादंबरी એ યુવાનીમાં જ  કરેલી આત્મહત્યાનો લાગેલો. આ એ જ ભાભીરાણી  કે જેને પોતે સાવ એકલા પડી ગયેલાં ત્યારે પોતાની તમામ કવિતા, ગીતો સંભળાવી શકતા. તેનાં સંગાથમાં તેને જીવન રસભર લાગેલું. જીવનભર એનાં દિમાગમાંથી મૃત્યુનું  એ દૃશ્ય હટ્યું ન હતુ.

પોતાના લગ્નના દિવસે જ તેની બહેનના પતિનું અવસાન. પછી મોટાભાઈનું અવસાન, પછી પિતા, પછી પત્ની મૃણાલીની, પછી 2 પુત્રી, પુત્ર, સૌથી વ્હાલો પૌત્ર….એક એક મૃત્યુની ઘટનાઓ રવીન્દ્રનાથે ઈશ્વરની મરજી સમજી સ્વીકારી લીધી. તેનાં યુવાન  પુત્રના અવસાન વખતે તૌ તેણે લોકોને કહી દીધેલું કે તમે જ સ્મશાનમાં જઇ બધી વિધી કરી આવો, હુ અહિં જ બેઠો છું…..

પોતે બંગાળમાં જમીનદાર હતાં, પણ ખેડુતો માટે એ પિતા તુલ્ય રહેલા. પિતાએ ખરીદેલી જમીનમાં શાંતિનિકેતન આશ્રમ ઉભો કરેલો. તેનુ સ્વપ્ન હતુ કે અહિં માનવીને વિશ્વમાનવી બનાવવો. કલાનું એ મુખ્ય કેન્દ્ર. પોતાની તમામ ખાનગી સંપત્તિ વેંચીને શાંતિનિકેતન ચલાવવામાં વાપરી નાખી. આમ છતા આર્થિક ભીંસ આશ્રમ ચલાવવામાં રહેતી જ, ત્યારે 1913 માં એક અદભુત સમાચાર મળ્યા કે તેઓને “ગીતાંજલિ ” પુસ્તક માટે નોબેલ પ્રાઈઝ અને 8 હજાર  પાઉન્ડનું ઇનામ મળ્યું છે. અને ચિંતાનો અંત આવી ગયો…

એક અદભુત ઘટના એ પણ છે કે એક સમયે બંગાળમાં તેનાં વિરૂદ્ધ ઘણાં લોકો થયાં હતાં. તેણી સાચી કદર વિદેશમાં થઈ. ” કાબૂલી વાલા” કહાનીથી થઇને  Rothenstein નામના એક અંગ્રેજી  ચિત્રકારે તેને વિદેશ બોલાવેલા. અને અંગ્રેજી સાહિત્યકારો સમક્ષ કવિતા રજૂ કરવાનો મોકો આપેલો. અને તમામ વિદેશી સાહિત્યકારોએ કહેલું કે ” આવી કવિતાઓ અમે કદી સાંભળી જ ન થી”  અને ત્યારથી તેં વિશ્વવિખ્યાત થયેલા. અને એ જ વ્યક્તિએ ટાગોરની બંગાળી કવિતાઓને અંગ્રેજીમાં અનુવાદિત કરીને બુક પબ્લીશ કરાવી આપવાની ગોઠવણ કરી. અને જ પુસ્તક “ગીતાંજલિ ” . આ પુસ્તકની કવિતાઓ જાણે  રવીન્દ્રનાથે ઈશ્વરને જોઈને લખી હોય તેવું લાગે….

નોબેલ પ્રાઈઝ મળ્યા પછી ટૉગોરનું ભારતમાં મહત્વ વધવા લાગ્યું. જે કલકત્તા યુનિવર્સીટી તેનો વિરોધ કરતી હતી તેણે જ તેને Phd ( ડોકટરેટ) ની ડીગ્રી આપી તેનુ બહુમાન કરેલ.

ગાંધીજી જ્યારે ભારત આવેલા ત્યારે તેનાં અંતેવાસીઓ શાંતિનિકેતનમાં જ રોકાયેલા. ત્યારે ગાંધી-ટાગોરની પહેલી મુલાકાત થયેલી. અને ટાગોરે ગાંધીજીને “મહાત્મા” કહેલા. પરંતું એવી ઘણી બધી ઘટનાઓ છે જેમાં ટાગોર ગાંધીજીનો સખત વિરોધ કરેલો, મત ભેદ હતાં પણ મનભેદ ન હતાં…

એક અજબ ઘટના એવી પણ છે કે જીવનના અંતમાં શાંતિનિકેતન ચલાવવામાં આર્થિક રીતે ખાસ મદદ મળતી ન હતી ત્યારે પૈસા માટે  રવીન્દ્રનાથે એક ભવ્ય નાટક સમગ્ર દેશમાં જઇને ભજવવાનું નક્કી કરેલું અને પોતે આટલી મોટી ઉંમરે તેમાં રોલ ભજવવાના હતાં, આ વાત ગાંધીજીને ખબર પડતાં ગાંધીજીએ  ઘનશ્યામદાસ બિરલા દ્રારા બીજા જ દિવસે રૂ. 60,000 નો ચેક અપવેલો. એ દિવસે ટાગોરની આંખમાં આંસુ હતાં…

જીવનનાં અંતમાં પીંછી ઉપાડી 400 જેટલા ચિત્રો પણ દોરેલા.
વિશ્વની અનેક સ્ત્રીઓ તેનાં માટે પાગલ હતી. પણ તેનાં વાત્સલ્યભાવ સામે બાધા પીગળી જતા…વિશ્વના અનેક દેશો તેઓને  ભાષણ આપવા માટે બોલાવતા. એ પ્રકૃતિને શરણે થયેલ માણસ હતો.

બંગાળીમાં જ લખીને વિશ્વકવિ બનનાર આ એક વિરલ વ્યક્તિ હતા, તેમની કહાનીઓ પાર અનેક ફિલ્મો, નાટકો, ફિલ્મો બાની છે…..તેનાં વિશે જરૂર વાંચવું જોઈએ.

સાધુ વેશે હિમાલયની યાત્રા દરમ્યાન હુ હંમેશા તેનુ પ્રખ્યાત  ગીત ” તમે એકલા ચૉલો રે”  ગાયે રાખતો….જે હંમેશા મને હિંમત આપતું રહેતું.

– વિવેક ટાંક ( ડેપ્યુટી કલેકટર, પોરબંદર )

કોલેજના યુવાનોને ટકોર….( Think Civil Service )કોલેજ એ ખુબ મજાની જગ્યા છે. આપણા માટે કોલેજ એ સ્વતંત્રતાનો પર્યાય છે. આ કાળમાં યુવાન નવા મિત્રો બનાવે છે, નવી દુનિયા જાણે છે, નવા વિચારો કરે છે, અને પોતાના સપનાઓને રંગવાનું ચાલુ કરે છે.

તમે આર્ટસ, કોમર્સ, સાયન્સ નાં કોઈ પણ કોર્સમાં હોય ઉપર લખ્યું એ થવાનું જ…મે મારા કોલેજના અનુભવથી એક વાત જોઈ કે એ વખતે અમને સારી રીતે માર્ગદર્શન આપવા વાળું કોઈ હતું જ નહી. બધા કૂવાનાં દેડકા જેવા હતા એટલે કોઈ ખાસ દૂર દૂરનું વિચારી શકતું નહિ….જો કદાચ એ વખતે જ સિવિલ સર્વિસ બાબતે વિલ સર્વિસ પરીક્ષા ( UPSC-GPSC)  વિષે અમને ખબર પડતી હોત તો બે વાર સિવિલ સર્વિસનો કોર્ષ કોલેજ કાળમાં જ પૂરો કરી નાખ્યો હોત.

બસ એ જ અનુભવથી હું આજના કોલેજના યુવાનોને ટકોર કરવા માંગું છું કે તમે કોલેજ કાળથી જ થોડી થોડી વાંચનવૃતિ કેળવો. એ વાંચનથી તમારો પોતાનો એક દ્રષ્ટિકોણ બનશે. દરેક વાતમાં પોતાનો એક તર્ક હશે. અને એ ભવિષ્યમાં ખૂબ ઉપયોગી થશે. તમે જો સિવિલ સર્વિસની પરીક્ષા આપશો તો એમાં તો ઉપયોગી થશે જ પણ સાથે સાથે વ્યવહારુ જીવનમાં પણ આ તર્કનો ખૂબ ઉપયોગ થશે.

કોલેજકાળમાં ભરપૂર ફાજલનો સમય મળતો જ રહેતો હોય છે. એ સમયમાં તમે સિવિલ સર્વિસનો સિલેબસ જુવો. તેમાં કઈ કઈ પોસ્ટ હોય છે તે જુવો, તેમાં ક્યા ક્યા વિષયો આવે છે એ જુવો. તેમાં જરૂરી વિવિધ પુસ્તકોનું લીસ્ટ તૈયાર કરો. અને થોડું થોડું વાંચન શરુ કરો…..તમારી પાસે ઘણો સમય છે…..એટલે તમે દરેક વિષયને શાંતિથી સમજીને ધીમે ધીમે આરામથી વાંચી શકશો. તે વિષયને લગતી રસપ્રસ કોઈ નોવેલ, રેફરન્સ બૂક પણ વાંચી શકાય… દા.ત. ડીસ્કવરી ઓફ ઇન્ડિયા ( જ. નહેરૂ ), અડધી રાત્રે આઝાદી ( અનુવાદ – અશ્વિની ભટ્ટ ), મારી વિદેશયાત્રાનાં પ્રેરક પ્રસંગો ( – સ્વામી સચ્ચિદાનંદ ), ઈતિહાસ (- ચંદ્રકાંત બક્ષી ), ધૂમકેતુ કે મુન્શીનાં પુસ્તકો….

આજના ઈન્ટનેટનાં યુગમાં તો ઓનલાઈન પણ ઘણું બધું તમે જ્ઞાન મેળવી શકો. આપણે ફિલ્મો, ગીતો, કોમેડી વિડીયો જોતા હોઈએ છીએ તો સાથે સાથે Youtube પર “ભારત એક ખોજ”, “સંવિધાન” , “રક્તરંજીત”, “પ્રધાનમંત્રી” જેવી સીરીઝનાં એપિસોડ જોઈ શકો છો.
કોલેજકાળમાં તમે એક બીજું સરસ કામ એ પણ કરી શકો કે  તમે તમારા શહેરનાં કલેકટર, જિલ્લાવિકાસ અધિકારી, ડેપ્યુટી કલેકટર, મામલતદાર, પોલીસ અધિક્ષક ( SP), નાયબ પોલીસ અધિક્ષક ( Dy.sp)  વગેરે જેવા અધિકારીઓની ઓફીસ પર જાઓ. તેની કામગીરી શું  હોતી હશે, તેઓ પાસે કેવી સતા હોય છે,  એની પ્રાથમિક માહિતી પણ મેળવી શકો અને કોઈ સારા અધિકારી હોય તો એ યુવાનોને માર્ગદર્શન માટે મળતા પણ હોય છે તો તેવા અધિકારીને મળો. તેમને મળવાથી સૌથી મોટો ફાયદો એ થશે કે તમને સતત પ્રેરણા મળતી રહેશે. તમારો સિવિલ સર્વિસ પ્રત્યેનો જોશ જાગતો રહેશે.મને મારા બાળપણનો એક પ્રસંગ યાદ છે કે હું ધો. 8 માં હતો ત્યારે અમારે શાળામાં ધ્વજ વંદન માટે મુખ્ય અતિથી તરીકે જિલ્લા કલેકટરશ્રી પધારેલા. ત્યારે તેમની એન્ટ્રી, તેનો પ્રભાવ, તેની સતા જોઇને મને ઘણી નવાઈ લાગેલી. તેમના હાથે મને પ્રમાણપત્ર પણ મળેલ. અને બધાને કહેતો ફરતો કે કલેકટરનાં હાથે આ પ્રમાણપત્ર મળ્યું…અને જ્યારે જ્યારે કલેકટર બંગલો પાસેથી પસાર થતો ત્યારે ત્યારે વિચારતો કે આ કલેકટરને જીલ્લાનો રાજા કેમ કહેતા હશે ?? એ કરતા શું હશે ?? પણ હમેશા કલેકટર પ્રત્યે માન થતું….જોકે ત્યારે મને ખબર નહોતી કે કલેકટરને મળી પણ શકાય, નહીતર હું જરૂર મળવા ગયો હોત…


કોલેજકાળમાં તમે છાપું વાંચવાની આદત કેળવી શકો. ખાસ કરીને અંગ્રેજી છાપું. એનાથી બે ફાયદા થશે . એક તો તમારું અંગ્રેજી ખૂબ સારું થઇ જશે અને બીજું તમને દેશ-વિદેશ વિષે ખબર પડવા માંડશે અને નોલેજ પણ વધશે. નુકસાન કાંઈ જ નથી. આ છાપા વાંચવાની આદત તમને ભવિષ્યની તૈયારીમાં ખૂબ જ મદદરૂપ થશે…..

કહેવાનો ભાવાર્થ એટલો જ છે કે રમતા રમતા કોલેજકાળ માં તમે આ બધું કરતા જશો તો તમે ઘણા આગળ નીકળી જશો. સિવિલ સર્વિસ માટે તમે ઘણું બધું કરી નાખ્યું હશે અને તમને ખબર પણ નહિ હોય…જ્ઞાન સાથે ગમ્મતની જેમ….
આ લેખ ગમે તો આપના મિત્રો, કોલેજના યુવાનોને જરૂર શેર કરો…..જ્યોત સે જ્યોત જલાતે રહો……
          –   વિવેક ટાંક ( ડેપ્યુટી કલેકટર )